દિવાળીના તહેવાર પહેલાં પૂર્વ કચ્છ પોલીસ દળમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. પોલીસ વિભાગ દ્વારા એકસાથે 96 પોલીસકર્મીઓને બઢતી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયથી અનેક કર્મચારીઓને ઉચ્ચ હોદ્દાની જવાબદારી સોંપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છ પોલીસ દળના 56 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે 40 હેડ કોન્સ્ટેબલને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.
96 કર્મચારીઓને મળ્યો બઢતીનો લાભ
પોલીસ વિભાગના આ નિર્ણયથી કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ સંવર્ગના કુલ 96 કર્મચારીઓને ઉચ્ચ હોદ્દા પર ફરજ બજાવવાની તક મળશે. દિવાળીના તહેવાર પહેલાં બઢતી મળતાં કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી શકે છે.
હાલની જગ્યાએ જ ફરજ બજાવશે
આ બઢતીમાં એક મહત્ત્વની બાબત એ છે કે બઢતી મેળવનારા કર્મચારીઓને હાલ જે સ્થળે ફરજ બજાવી રહ્યા છે, ત્યાં જ ફરજ ચાલુ રાખવાનો હુકમ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આથી કર્મચારીઓની હાલની ફરજની જગ્યામાં ફેરફાર કર્યા વિના તેમને બઢતીનો લાભ મળશે.
પૂર્વ કચ્છ પોલીસ દળમાં એકસાથે 96 કર્મચારીઓને બઢતી આપવાનો નિર્ણય પોલીસ વિભાગ માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.






